સર્વ રોગોનો રામબાણ ઇલાજ એટલે ગળો…
જંગલોમાં,ખેતરોના શેઢા પર,ગામડાનાં પાદરમાં ખરાબામાં અને શહેરોના બાગ-બગીચાના વૃક્ષો ઉપર ઘાંસના થુમડા સ્વરૂપે જોવા મળે છે.સૃષ્ટિમાં સહેલાઇથી મળી આવતી ગળો અખૂટ સંપતિ છે.
વર્ષોથી વનસ્પતિઓનાં મૂળ,થડ,પાન,ફૂલ અને બીજ એ પંચાગનો જુદા જુદા રોગો પર પ્રયોગ કરાયા બાદ ઋષિઓ દ્વારા તેના સૂક્ષ્મ ગુણો શોધી કઢાયા હતા.અતિ મહત્વની ગણાતી ઔષધિ ગળો સર્વ રોગોમાં ઘણી ઉપયોગી છે.સંસ્કૃતમાં તેનું નામ અમૃતા છે.
ગળોનો વેલો થાય છે.તેના વેલા બીજાં મોટાં ઝાડ અને ખેતરોની વાડ ઉપર ચઢે છે.કેટલાક ઠેકાણે એ ખડકના આધારે ચઢે છે.ગળો વર્ષાયુ છોડ છે.તેના વેલાનો ટુકડો કાપીને વરસાદના સમયે રોપવાથી ઉગી જાય છે.તેના કુમળા વેલાની છાલ કોમળ હોય છે.
ગળોના વેલા એક સરખા હોતા નથી.તેને એક બાજુએ કાતરીઓ જેવી ગાંઠ હોય છે.તેના વેલાને આંતરે એક-એક પાન આવેલા હોય છે.પાનનો આકાર પીપળાના પાન જેવો તેના મૂળ જાડાં અને કંદ જેવા હોય છે.
ગળોના વેલાને નવા કુમળા અંકુરો ફૂટવા લાગે ત્યારે ખેડૂતો વર્ષાના આગમનની આગાહી કરે છે.ગામડાંઓમાં આજે પણ ગળોના ટૂકડા કરી દૂઝણાં ઢોરોને ખાણ તરીકે ઉપયોગ કરે છે.
લીમડા,બાવળ કે આંબા પર ચઢેલી ગળો વધારે ગુણકારી માનવામાં આવે છે.તેમાંય લીમડા પરની ગળો સર્વશ્રેષ્ઠ ઔષધિ ગણાય છે. ગળોમાંથી છ રસો ઉત્પન્ન થાય છે.કડવો,તૂરો,તીખો અને મધુર રસનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. તીખો,કડવો અને તૂરો રસ કફદોષને મટાડે છે તેમજ મધુર રસ વાયુનું શમન કરે છે.
ગળોનો મુખ્ય ગુણ વાત,પિત્ત અને કફના દોષોને શાંત પાડવાનો છે.બીજો ખાસ ગુણ જવરઘ્ર છે.ઘી,ગોળ સાથે સેવન કરવાથી વાયુનું અને બંધકોષનું શમન થાય છે.એરંડીયાના તેલ સાથે સેવન કરવાથી વાતરક્તનું અને સૂંઠ સાથે સેવન કરવાથી આમવાયુનું શમન થાય છે.
ગળાનાં પાનને તેલમાં વાટીને માથા પર ચોપડવાથી શરદીથી દુખતું માથુ મટે છે.તેના પાનને મધમાં વાટીને ગૂમડા પર ચોપડવાથી ગૂમડા મટે છે.આપણું શરીર પંચમહાભૂતોનું બનેલું છે તેથી એ પાંચ તત્વો પૂરા પાડનાર વનસ્પતિ ગણવામાં આવે છે.