રેમો ડિસોઝાની પત્ની લિઝેલે સોશિયલ મીડિયા પોસ્ટમાં સલમાન ખાનનો માન્યો આભાર, અને કહ્યુ કે …..

રેમો ડિસોઝાની પત્ની લિઝેલે સોશિયલ મીડિયા પોસ્ટમાં સલમાન ખાનનો આભાર માન્યો હતો. લિઝેલે સલમાન ખાનનો આભાર માનતા ચાહકોના મનમાં સવાલ થઈ રહ્યો હતો કે આખરે એક્ટરે કેવી રીતે મદદ કરી હતી. હાલમાં જ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલમાં સલમાને કેવી રીતે મદદ કરી તે અંગેની વાત કરવામાં આવી હતી.

સૌ પહેલો ફોન સલમાનને કર્યો
સૂત્રોના મતે, લિઝેલ જ્યારે રેમોને લઈ કોકિલાબેન હોસ્પિટલમાં આવી તો તેણે પહેલો ફોન સલમાન ખાનને કર્યો હતો. આ સમયે સલમાન અન્ય ફોન પર વ્યસ્ત હતો. જોકે, પાંચ મિનિટની અંદર જ સલમાને કોલબેક કર્યો હતો. હોસ્પિટલમાં ડૉક્ટર્સે એમ કહ્યું હતું કે રેમોને મેજર હાર્ટ અટેક આવ્યો છે. આ વાત સાંભળીને લિઝેલ એકદમ ભાંગી પડી હતી.

સલમાન સતત ડૉક્ટર્સના સંપર્કમાં રહ્યો
લિઝેલને ફોન કર્યા બાદ ગણતરીની મિનિટમાં સલમાન ખાને રેમોની સારવાર કરતાં ડૉક્ટર્સ સાથે વાત કરી હતી. તેમને કહ્યું હતું કે રેમોને આ પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર કાઢી શકાય અને તેની કઈ રીતે સારવાર થઈ શકે તેમ છે. સલમાન ત્યાં સુધી ડૉક્ટર્સના સંપર્કમાં રહ્યો હતો જ્યાં સુધી રેમો ઓપરેશન થિયેટરમાંથી બહાર ના આવ્યો. પહેલાં એમ કહેવાતું હતું કે રેમોની એન્જિયોગ્રાફી કરવામાં આવી છે. જોકે, રેમોની એન્જિયોગ્રાફી નહીં પરંતુ એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. લિઝેલ પાસે બે ઓપ્શન હતાં, એક એન્જિયોપ્લાસ્ટી અને બીજું ઈન્જેક્શન. ઈન્જેક્શનથી બ્લોકેજ દૂર થઈ જતું હતું. જોકે, ડૉક્ટર્સે લિઝેલને એમ પણ કહ્યું હતું કે જો તેમના કોઈ સગા સંબંધીને આવું કંઈ થયું હોત તો તેઓ એન્જિયોપ્લાસ્ટીનો વિકલ્પ પસંદ કરત.

લિઝેલે સંતાનોને રેમોની તબિયત અંગે વાત કરી નહોતી
પહેલાં દિવસે લિઝેલ હોસ્પિટલમાં એકલી જ હતી. સલમાને સતત તેને સાંત્વના આપી હતી. સૂત્રોના મતે, સલમાને લિઝેલ સાથે વાત નહોતી કરી તે પહેલાં લિઝેલને રેમો સાથેના 21 વર્ષના સંગાથ સિવાય કોઈ જ વાત યાદ નહોતી. તેણે પોતાના બંને બાળકોને પણ રેમોની પરિસ્થિતિ અંગે જાણ નહોતી કરી. મોટો દીકરો ગાઢ ઊંઘમાં હતો અને નાનો દીકરો જીમમાં હતો. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ રેમો ઘરે આવ્યો ત્યારે પણ સલમાન સતત લિઝેલના સંપર્કમાં હતો અને રેમોની તબિયત અંગે પૂછતો હતો.

રેમોને અચાનક છાતીમાં દુખાવો થયો હતો
સૂત્રોના મતે, રેમોને 11 ડિસેમ્બરના રોજ હાર્ટ અટેક આવ્યો હતો. હાર્ટ અટેક આવ્યો તે પહેલાં રેમો ટ્રેડમિલ પર થોડું ચાલ્યો હતો અને પછી બિલ્ડિંગના જીમમાં થોડી એક્સર્સાઈઝ કરી હતી. તેણે લિઝેલને પણ વર્કઆઉટ કરવાનું કહ્યું હતું. અચાનક જ રેમોએ છાતીમાં દુખાવો થતો હોવાની ફરિયાદ કરી હતી. શરૂઆતમાં તેમને લાગ્યું કે એસિડિટી છે. જોકે, થોડીવાર બાદ જ રેમોને વોમિટ થવા લાગી હતી. લિઝલે એપલ વોચથી રેમોના હાર્ટ રેટ ચેક કર્યાં હતા અને તે 106 હતા. જોકે, પછી તેણે ECG કાઢવાનો પ્રયાસ કર્યો હતો, જોકે તે બરોબર નહોતો અને લિઝેલને ચિંતા થવા લાગી હતી અને પછી તે રેમોને તાત્કાલિક કોકિલાબેન હોસ્પિટલમાં લઈ આવી હતી.

લિઝેલે સલમાનને એન્જલ કહ્યો
લિઝેલે સોશિયલ મીડિયામાં પતિ સાથેની તસવીર શૅર કરી હતી. લિઝેલે સલમાન ખાનનો આભાર માનતા કહ્યું હતું, ‘હું દિલથી સલમાન ખાનનો આભાર માનું છું. તેમણે સતત ઈમોશનલ સપોર્ટ આપ્યો હતો. બહુ બહુ જ આભાર ભાઈ તમે એક એન્જલ છો, જે હંમેશાં હાજર હોય છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *