કાળી મુસળી છે પૌષ્ટિક અને કામવર્ધક ઔષધ..

આયુર્વેદમાં વાજીકરણ (પુરુષત્વવર્ધક) ઔષધોની વાત આવે ત્યારે ‘મૂસળી’ને અચૂક યાદ કરવામાં આવે છે. મૂસળીએ પૌષ્ટિક છે. ધાતુવર્ધક પણ છે. એટલે શિયાળામાં તેનું સેવન સ્વાસ્થ્યપ્રદ છે. તમામ પ્રકારનાં પૌષ્ટિક પાકો તથા ચૂર્ણોમાં મૂસળી અવશ્ય પ્રયોજાય છે. આ મૂસળી સફેદ અને કાળી એમ બે જાતની થાય છે. અહીં કાળી મૂસળીનાં ઔષધિય ગુણકર્મો અને ઉપયોગોનું વર્ણન કરું છું.

ગુણકર્મો

કાળી મૂસળી ભારતમાં સર્વત્ર પહાડો અને ભીની જમીનમાં થાય છે. તેનાં છોડ એકથી દોઢ ફૂટ જેટલા ઊંચા તથા પાન ખજૂરી- નાળિયેરીના ફણગા જેવા હોય છે. મૂળ કંદ સ્વરૂપના, પાંચ-છ આંગળ લાંબા અને કાળા રંગના હોય છે. આ કંદ ખૂબ જ પૌષ્ટિક હોય છે અને દવાઓમાં તેનો જ ઉપયોગ કરવામાં આવે છે.

આયુર્વેદ પ્રમાણે મૂસળી સ્વાદમાં મધુર અને કડવી, ઠંડી, ધાતુપુષ્ટિકર્તા, વાજીકરણ, કફવર્ધક, પિત્તહર, વાતશામક, બળપ્રદ તથા થાકને દૂર કરનાર છે. તે સંધિપીડા, કમરનો વા, પિત્તવિકારો, રક્તદોષ, ઉધરસ, શ્વાસકષ્ટતા, ઝાડા, ઊલટી તથા હરસ-મસાને મટાડનાર છે. સફેદ કરતાં કાળી મૂસળી ગુણમાં વધારે ઉત્તમ ગણાય છે.

રાસાયણિક દૃષ્ટિએ કાળી મૂસળીમાં એસ્પેરેગિન, આલબ્યુમિનયુક્ત પદાર્થ, ચીકણા દ્રવ્યો તથા સેલ્યુલોઝ રહેલા હોય છે.

ઉપયોગો

કાળી મૂસળી ખૂબ જ પૌષ્ટિક ઔષધ છે. આયુર્વેદમાં તેના અનેક વાજીકરણ- કામવર્ધક ઔષધ પ્રયોગોનું વર્ણન મળે છે. એક સરળ ઉપચાર પ્રયોગ અહીં રજૂ કરું છું. એક ગ્લાસ દૂધમાં એક ચમચી કાળી મૂસળીનું ચૂર્ણ મેળવીને પકવવું. ઘાટું-રબડી જેવું દ્રવ તૈયાર થાય એટલે તેમાં બે ચમચી સાકર, એક ચમચી બદામનો ભૂકકો અને એક ચમચી ઘી મેળવવું. થોડું થોડું જાયફળ, એલચી, કેસર વગેરેનું ચૂર્ણ ઉમેરીને રોજ સવારે એકવીસ દિવસ સુધી પીવું. આ ઉપચારથી કામવૃદ્ધિ-વીર્યવૃદ્ધિ થાય છે. શરીરનું વજન પણ વધે છે.

મૂત્રમાર્ગની પથરીમાં મૂસળી ઉત્તમ પરિણામ આપે છે. પથરીની તકલીફવાળાએ મૂસળી અને ગોખરુ સરખા ભાગે લાવી, ચૂર્ણ બનાવી ઘરમાં રાખવું. સવાર-સાંજ આ ચૂર્ણ અડધી ચમચીની માત્રામાં દૂધ અથવા પાણી સાથે લેવું. થોડા દિવસમાં પથરી તૂટીને નીકળી જશે.

મૂસળી એ વાયુનો નાશ કરનાર છે. એટલે સંધિવા, કમરનો દુઃખાવો વગેરે એક તકલીફોનું તે ઉત્તમ ઔષધ છે. કાળી મૂસળી, અૃગંધા અને ગોખરુ સરખા વજને લાવી ચૂર્ણ કરી લેવું. એક ચમચી જેટલું આ ચૂર્ણ દૂધ કે પાણી સાથે સવાર-સાંજ લેવું. એકાદ સપ્તાહમાં વાયુને કારણે થતાં બધા જ દર્દોમાં રાહત અનુભવાશે.

કાળી મૂસળી જેમનું શરીર પાતળું હોય અને વજન ન વધતું હોય તેમને હૃષ્ટ પુષ્ટ કરનાર ઔષધ છે. કાળી મૂસળી, એખરાનાં બીજ, આમળા અને સૂંઠ સરખા વજને લઈ ચૂર્ણ કરી લેવું.

આ ચૂર્ણને એક ગ્લાસ જેટલા દૂધમાં પાચનશક્તિ પ્રમાણેની માત્રામાં મેળવીને ઉકાળવું. ઠંડું પાડી સહેજ સહેજ ગરમ હોય ત્યારે રોજ સવારે પીવું. એક મહિનો આ રીતે ઉપચાર કરવાથી ધીમે-ધીમે શરીરનું વજન વધશે.

કાચી મૂસળીમાંથી બનતો મૂસળીપાક પ્રસિદ્ધ છે. એ સિવાય મૂસળી મદનાનંદ ચૂર્ણ, મૂસલ્યાદિ ચૂર્ણ, પુષ્ટિકરચૂર્ણ, પુરુષવલ્લભ ચૂર્ણ વગેરે આયુર્વેદિય દવાઓમાં મુખ્ય ઔષધરૂપમાં પ્રયોજાય છે. આયુર્વેદમાં મૂસળીનું ઘણું જ મહત્ત્વ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *